નિશાંત શાહ: ડિજિટલ પેઢીનો ઉદય
‘ડિજિટલ નાગરિક’ તેમને કહેવામાં આવે છે જેણે સામાન્ય જનજીવનમાં ડિજિટલ ટેક્નોલોજીના પ્રવેશ થઈ ગયા બાદ જન્મ લીધો છે. ડિજિટલ નાગરિકો દરેક જગ્યાએ છે. હવે સમય આવી ગયો છે કે આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ કે આ લોકો કોણ છે, તેઓ શું કરી રહ્યા છે, તેઓ પોતાના અંગે શું વિચારે છે અને કેવી રીતે તેઓ કશું પણ જાણ્યા વગર આપણા ભવિષ્યને નવો આકાર આપવાનું કામ કરી રહ્યા છે.
એક નવા પ્રકારની ‘ડિજિટલ નાગરિકતા’નો ધીમે-ધીમે ઉદય થઈ રહ્યો છે. ડિજિટલ ટેકનિક આપણી નવી પેઢીના સામાજિક ડીએનએનો એક ભાગ બની ચૂકી છે. આ પેઢીએ ટેક્નોલોજીની દુનિયામાં જ જન્મ લીધો હોવાથી તેમનો તેની સાથેનો સંબંધ તેમની અગાઉની પેઢી જેવો નથી. દુનિયાના ઘણા બધા લોકોને અસર કરનારી ઓગસ્ટની એક ઘટના જાણવા જેવી છે. તેઓ જ્યારે પોતાનાં કમ્પ્યૂટરો,પીડીએ, આઈપેડ અને લેપટોપ પર ઓનલાઈન થયાં ત્યારે તેમને અહેસાસ થયો કે તેમની વાતચીત,ગપ્પાંબાજી, ચેટિંગ, શેરિંગ સહિતની અનેક બાબતોની તાસીર કોઈ પણ જાતની પૂર્વ સૂચના વગર રાતોરાત બદલાઈ ગઈ છે.
એક નાનકડા પરિવર્તને અનેક આયામો ખોલી નાખ્યાં છે. દુનિયાના કરોડો લોકો માટે દોસ્તી કરવાનો, સંબંધ બનાવવાનો, વ્યવસાયિક નેટવર્કની સ્થાપના કરવાનો, મનોરંજનનો, યાદોનો સંગ્રહ કરવાનો અને એક-બીજા સાથે આપ-લેનું માધ્યમ બનેલી વેબસાઈટ ફેસબુકે પોતાના પ્રાયવસી સેટિંગમાં એક નાનકડું પરિવર્તન કરીને અનેક લોકોને નવી સુવિધા પૂરી પાડી છે. જેના દ્વારા તેઓ જ્યાં ઇચ્છે ત્યાં ‘જિયો ટેગ’ (એક એવી પ્રણાલિ જેના દ્વારા ફોટા, વીડિયો, વેબસાઈટ જેવા વિવિધ મીડિયા કે આરએસએસ ફીડમાં ભૌગોલિક ઓળખના ડેટાને જોડી શકાય છે) નો ઉપયોગ કરી શકે છે.
બદલાઈ રહેલી દુનિયામાં આ પ્રકારની સુવિધાઓ મહત્વની બની રહી છે. ડિજિટલ નાગરિકો વચ્ચે આ બાબતો ચર્ચા અને કેટલીક વખત અફવાનો વિષય પણ બની જતી હોય છે, જેની પાછળ ચર્ચા કરવામાં યુવાનો પોતાની ઘણી ઊર્જા ખર્ચી નાખે છે. વેબદુનિયામાં તમને એવા અનેક લોકો મળી જશે જે ટિન ફોઈલની ટોપી પહેરીને ફરતા હોય છે અને નવા માધ્યમમાં જૂની માન્યતાઓ અંગે વાતો કરતા હોય છે. તેમને માટે આ નવી ટેકનિકલ સુવિધાઓનો અર્થ છે રોજિંદા જીવનના અનુભવો અને વિચારોને એક-બીજા સાથે વહેંચવાનો વધુ એક નવો વિચાર.
‘જિયો-ટેગિંગ’ જેવી સુવિધાઓનો ઉપયોગ કરતા લોક વાસ્તવિક જીવન અને કલ્પનાઓની સરહદોને એક-બીજા સાથે મિલાવી દેવાનું પસંદ કરે છે. આપણામાંથી ઘણા લોકો એવા હશે જેમને આ બધી બાબતો વિચિત્ર લાગે એમ છે. તેઓ વિચારશે કે આ પ્રકારની પ્રતિક્રિયાઓનું શું કારણ છે? છેવટે લોકો આટલી સામાન્ય બાબતોમાં કેમ રસ દાખવે છે? આ પ્રકારની ફાલતું બાબતો માટે લોકોને સમય ક્યાંથી મળે છે? જે લોકો ડિજિટલ દુનિયાથી અપરિચિત છે કે જેમને તેની સાથે કોઈ સંબંધ જ નથી, તેમની સામે હું માથું નમાવ્યા સિવાય કશું કરી શકું તેમ નથી.
પરંતુ પોતાનો ઘણો બધો સમય ફેસબુક, માયસ્પેસ અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર વિતાવનારા, ગેમ્સ રમતા, બ્લોગ લખતા કે બીજાના બ્લોગ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા, પોતાના ફોટો એકાઉન્ટને અપડેટ કરતા રહેતા અને પોતાની ડિજિટલ ઓળખને વધુ વિસ્તારતા રહેતા ‘ડિજિટલ નાગરિકો’ માટે આ તમામ બાબતો અત્યંત મહત્વની છે.
કદાચ તમારામાંથી ઘણા લોકોએ આ અગાઉ ‘ડિજિટલ નાગરિકતા’ અંગે સાંભળ્યું નહીં હોય, પરંતુ આ કોઈ કપોળ કલ્પિત વાત નથી. ‘ડિજિટલ નાગરિક’ તેમને કહેવામાં આવે છે જેણે સામાન્ય જનજીવનમાં ડિજિટલ ટેક્નોલોજીના પ્રવેશ બાદ જન્મ લીધો છે. આ કારણે તે કમ્પ્યૂટર, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, એમપીથ્રી જેવી ટેક્નિકલ સુવિધાઓથી સંપૂર્ણપણે વાકેફ છે. સામાન્ય રીતે ૧૯૭૦ બાદ જન્મેલાને ડિજિટલ પેઢી કહેવામાં આવે છે, પરંતુ ૨૧મી સદીની માહિતી ક્રાંતિમાં ઊછરેલી પેઢી માટે આ વ્યાખ્યા ફિટ બેસે છે.
‘ડિજિટલ નાગરિકતા’ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ માર્ક પ્રેન્સ્કીએ વર્ષ ૨૦૦૧માં પોતાના પુસ્તક ‘ડિજિટલ નોટિંગ્સ, ડિજિટલ ઇમિગ્રન્ટ્સ’માં કર્યો હતો. ડિજિટલ નાગરિકોનાં સામાજિક ગુણસૂત્રોમાં જ આ ટેક્નોલોજી સમાઈ ચૂકી છે. તેની સાથે નવી પેઢી એટલી વણાયેલી છે કે તેમને તે કૃત્રિમ ઉપકરણ નથી લાગતાં. આ ટેક્નોલોજી તેમની જીવનશૈલીનો એક ભાગ બની ચૂકી છે. ‘ડિજિટલ નાગરિકતા’ના સૌથી મોટી ઉંમરના સભ્યો તે છે જેમણે પોતાની ઉંમરના ત્રણ દાયકા પાર કરી દીધા છે.
જ્યારે સૌથી નાની ઉંમરના તેમને કહેવાય જેમણે તાજેતરમાં જ દુનિયાને જાણવા-સમજવાની શરૂઆત કરી છે. શક્ય છે કે દુનિયાનાં અનેક મહત્વનાં દસ્તાવેજોમાં હજુ તેમના નામનો સમાવેશ પણ થયો ન હોય. ડિજિટલ નાગરિકો દરેક જગ્યાએ છે. કદાચ તેઓ એવી માહિતીઓ અને જાણકારીઓના સ્ત્રોત છે જેમને આપણે વિકીપીડિયા પર વાંચીએ છીએ.
ડિજિટલ નાગરિકો સંપૂર્ણ રીતે નવી ટેક્નોલોજીમાં ઊતરી ચૂકેલા છે, નિપુણ છે. તેમને માટે ભૌતિક દુનિયામાંથી આભાસી-કાલ્પનિક દુનિયામાં પહોંચી જવું ડાબા હાથનો ખેલ છે. સમય અને સ્થળની મર્યાદાઓ તેમના માટે કોઈ અર્થ નથી રાખતી. તેઓ ધીમે-ધીમે, ચુપચાપ પરંતુ નિરંતરતાની સાથે આપણી દુનિયાની રૂપરેખાઓને બદલી રહ્યા છે. આ ‘ડિજિટલ નાગરિક’ આપણી દુનિયાના સ્થાયી નાગરિક છે અને હવે તેમની વાતો પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ કે આ લોકો કોણ છે, તેઓ શું કરી રહ્યા છે, તેઓ પોતાના અંગે શું વિચારે છે અને કેવી રીતે તેઓ કશું પણ જાણ્યા વગર આપણા ભવિષ્યને નવો આકાર આપવાનું કામ કરી રહ્યા છે.
નિશાંત શાહ, લેખક સેન્ટર ફોર ઇન્ટરનેટ એન્ડ સોસાયટીના સંશોધન ડાયરેક્ટર છે.
This column on Digital Natives by Nishant Shah appeared in the Gujarati newspaper Divya Bhaskar